ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે, IMFની ગંભીર આગાહી

April 23, 2025

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું. આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩ ટકાની આગાહીની સરખામણીમાં 2.8 ટકા જ થવાની ધારણાં છે. ટ્રમ્પે છેડેલી ટેરિફ વોરને કારણે અમેરિકાના અર્થતંત્રની આર્થિક વૃદ્ધિ અગાઉ 2.7 ટકા ધારવામાં આવી હતી તે હવે ઘટીને 1.8 ટકા જ થવાની અપેક્ષા છે. આઇએમએફના  માનવા પ્રમાણે યુએસના અર્થતંત્રમાં મંદી સર્જાવાની શક્યતા નથી પણ આ વર્ષે મંદી સર્જાવાની ટકાવારી 25 ટકા હતી તે વધીને 37ટકા થઇ છે. જે.પી. મોર્ગનના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર યુએસમાં મંદી થવાની શકયતા 60 ટકા છે. ફેડરલ રિઝર્વ દ્વારા પણ આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ 1.7 ટકા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરી ઓલિવરે જણાવ્યું હતું કે આપણે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. છેલ્લા 80 વર્ષથી ચાલી રહેલી ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમને ફરી સેટ કરવામાં આવી રહી છે. આઇએમએફ એ ૧૯૧ સભ્ય દેશો ધરાવતું સંગઠન છે જે આર્થિક વૃદ્ધિ  અને નાણાંકીય સ્થિરતાને ઉત્તેજન આપે છે અને દુનિયામાં ગરીબી નાબૂદ કરવા મથે છે.