બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના થયા 'ડિવોર્સ', 7 વર્ષના લગ્નજીવન બાદ થયા અલગ

July 14, 2025

ભારતની પૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે સૌને ચોંકાવી દીધા છે. તેમણે પારુપલ્લી કશ્યપ સાથે ડિવોર્સની જાહેરાત કરી છે. સાઇના અને ભારતના ભૂતપૂર્વ નંબર-1 પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપે લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018 મમાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે 7 વર્ષ પછી બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. 35 વર્ષીય અનુભવી ભારતીય સ્ટાર ખેલાડી સાઇનાએ રવિવાર 13 જુલાઈના રોજ મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી. આ સમાચારથી ફેન્સને પણ ઝટકો લાગ્યો છે. સાઇનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ખૂબ વિચાર કર્યા પછી પારુપલ્લી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંને પોતાના અને એકબીજા માટે શાંતિ, પ્રગતિ અને રાહત પસંદ કરી રહ્યા છીએ.' જોકે તેમના અલગ થવાનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સાઇનાએ કશ્યપ સાથે વિતાવેલા ક્ષણો માટે ખુશી વ્યક્ત કરી. સાઇનાએ લખ્યું કે, 'હું હંમેશા આ યાદો માટે આભારી છું અને આગળ વધવા માટે શુભેચ્છા પાઠવું છું. આવા સમયે અમારી ગોપનીયતાને સમજવા અને માન આપવા બદલ આભાર.'