કેનેડા આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો પેસિફિક નીતિ વિષે પુનર્વિચાર કરશે

July 15, 2025

કૌલાલમ્પુર : અહીં મળી રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસ.સી.ઓ)ની પરિષદમાં કેનેડાનાં વિદેશ મંત્રી અનીતા આનંદે કહ્યું હતું કે, 'કેનેડા તેનાં આર્થિક હિતોને લક્ષ્યમાં રાખી ઈન્ડો-પેસિફિક નીતિ વિષે પુનર્વિચારણા કરશે.'

ઉલ્લેખનીય છે કે કેનેડા જી-૭ દેશોનું પણ સભ્ય હોવા છતાં તેવા જ આંતરરાષ્ટ્રીય સંગઠનથી દૂર રહેતું હતું. વિશેષત: ઈન્ડો-પેસિફિક-ઓર્ગેનાઈઝેશન સાથે તો જાણે કે તેને કશી લેવા-દેવા જ ન હોય તેવું વર્તન રાખતું હતું, તેમાંએ તે સંગઠનના અગ્રીમ દેશ ભારતથી પણ દૂર રહેતું હતું તે પરિસ્થિતિ જસ્ટિન ટ્રુડો જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ઉપસ્થિત થઈ હતી. તેમાંએ નિજ્જરની થયેલી હત્યા અને તેમાં ભારતની સંડોવણીની ટ્રુડો સરકારે દર્શાવેલી શંકા પછી તો ભારત-કેનેડા સંબંધો તંગ બની ગયા હતા.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર પણ ભારે ટેરિફ લાદવાની વાત કરતાં કેનેડાએ અન્ય કોમનવેલ્થ કંટ્રીઝ સાથે વ્યાપાર સંબંધો વધારવાની શરૂઆત કરતાં ભારત સાથેના વ્યાપારી સંબંધો મહત્વના બની રહ્યા છે. તે દ્રષ્ટિએ કેનેડાનાં વિદેશમંત્રી અનીતા આનંદે ભારત સાથેના સંબંધો દ્રઢીભૂત કરવાની શરૂઆત કરી દીધી છે.

ભારત-વંશીય પંજાબી માતાપિતાના પુત્રી અનીતા આનંદ ઈન્ડો પેસિફિક વિસ્તારમાં ભારતનું મહત્વ બરોબર સમજે છે.

તેઓએ અહીં પત્રકારોને સંબોધતાં કહ્યું કે, 'ઈન્ડો પેસિફિક-રણનીતિ' ૨૦૨૨માં ઘડાઈ હતી. પરંતુ તે પછી ત્રણ જ વર્ષમાં વિશ્વમાં અનેકાનેક પરિવર્તનો આવ્યાં છે. તેથી મૂળ રણનીતિમાં પરિવર્તન કરવું અનિવાર્ય બની રહ્યું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ દ્રષ્ટિએ જ અમારા વડાપ્રધાન માર્ક કાર્ની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત સંપર્કમાં જ રહે છે. કેનેડા ઈન્ડો પેસિફિક વિસ્તારનું અને તેમા ભારતનું મહત્વ બરોબર જાણે છે, ભારત અને કેનેડા વચ્ચે આર્થિક તેમજ સંરક્ષણ ક્ષેત્રે પણ સમજૂતી થઈ છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક સંપર્કો વધારાઈ રહ્યાં છે તેમ પણ અનીતા આનંદે કહ્યું હતું.