કેનેડાનો ટેરિફ વિરુદ્ધનો વીડિયો જોઈને ટ્રમ્પ ભડક્યા, વાટાઘાટો બંધ કરીને કહ્યું- વાહિયાત હરકત

October 25, 2025

કેનેડામાં પ્રસારિત એક વીડિયોને ટાંકીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો રદ કરી દેતાં કેનેડા-અમેરિકાના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે કેનેડા પર એક 'ધમકીપૂર્ણ' જાહેરાત પ્રસારિત કર્યાનો આરોપ લગાવીને જાહેરાત કરી કે, ‘અમે કેનેડા સાથે તમામ વેપાર વાટાઘાટો સમાપ્ત કરી દીધી છે.’ આ જાહેરાતમાં પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગન ટેરિફ વિરુદ્ધ બોલતા દેખાઈ રહ્યા છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, 'તેમની હલકી વર્તણૂકના આધારે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો સમાપ્ત કરવામાં આવે છે.'

અમેરિકી સરકારના આ નિર્ણયને કારણે બંને પ્રતિદ્વંદ્વી પડોશીઓ વચ્ચે વેપાર તણાવમાં વધારો થયો છે. જોકે, આ નિર્ણયના થોડા દિવસો પહેલાં જ, ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંને નેતાઓએ વેપાર સંબંધો સુધારવા અંગે ચર્ચા કરી હતી.


ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'કેનેડાએ ₹7.5 કરોડની જાહેરાતમાં 'છેતરપિંડી' કરી છે, જેમાં પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રીગનને ટેરિફ વિરુદ્ધ બોલતા દર્શાવાયા છે, જેનો ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો હતો.' ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, 'ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે જરૂરી છે, તેથી કેનેડાની આ વર્તણૂકને કારણે વેપાર વાટાઘાટો સમાપ્ત કરવામાં આવે છે.'

આ જાહેરાત કેનેડાની ઓન્ટારિયો પ્રાંતની સરકાર દ્વારા ફંડ કરાઈ હતી અને પ્રીમિયર ડગ ફોર્ડે ઑક્ટોબર 16, 2025ના રોજ 'X' પર લિંક શેર કરીને તેને લોન્ચ કરી હતી. તેમજ આ એડ અમેરિકન મીડિયામાં ચલાવવામાં આવી જેથી ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ અમેરિકન જનમતને એકત્રિત કરી શકાય.

ટ્રમ્પના ટેરિફને 'આર્થિક આત્મહત્યા' ગણાવતી કેનેડિયન જાહેરાત

જાહેરાતમાં રોનાલ્ડ રીગનના 1980ના દાયકાના વાસ્તવિક ભાષણની ક્લિપનો ઉપયોગ થયો હતો (જે 1988ના ભાષણમાંથી લેવાયો હતો) જેમાં રીગન ટેરિફના નુકસાન પર ચેતવણી આપે છે. ક્લિપમાં રીગન કહે છે કે, 'ટેરિફ અમેરિકી અર્થવ્યવસ્થાને નબળી પાડે છે, નોકરીઓ છીનવે છે અને ગ્રાહકો પર બોજ નાખે છે.'

કેનેડાની આ જાહેરાત દાવો કરે છે કે ટ્રમ્પનો 25-35% ટેરિફ 'આર્થિક આત્મહત્યા' સમાન છે, જે કેનેડા-અમેરિકાના વેપારને નુકસાન પહોંચાડશે. જોકે, રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ ફાઉન્ડેશન એન્ડ ઇન્સ્ટિટ્યૂટે આ જાહેરાતને ગેરમાર્ગે દોરનારી ગણાવીને તેનો વિરોધ કર્યો છે.

તાજેતરના અઠવાડિયામાં વોશિંગ્ટન અને ઓટાવા વચ્ચેના સંબંધોમાં નરમાઈ જોવા મળી હતી, જ્યાં ટ્રમ્પે કેનેડા પર કબજો કરવાના આક્રમક નિવેદનો અને વેપાર દબાણ અભિયાનમાં નરમાશ રાખી હતી. આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે માર્ક કાર્નીની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં તેમની મહેમાનગતી કરી હતી.

મુલાકાત દરમિયાન, બંને પક્ષોએ આશાવાદી વલણ દર્શાવ્યું, ટ્રમ્પ અને કાર્ની સંબંધો સુધારવા અને ટેરિફ રેટ્સ પર વિચારણા કરતા હસતા જોવા મળ્યા હતા. કાર્નીએ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમની પ્રશંસા કરી અને તેમને મે મહિનામાં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવાનો શ્રેય પણ આપ્યો હતો.

કાર્ની, તેમના પ્રતિનિધિમંડળના ખુશી-ખુશી પાછા ફરવાના આશ્વાસન સાથે વોશિંગ્ટનથી રવાના થયા, પરંતુ હવે બંને દેશો વચ્ચે ફરી તણાવની સ્થિતિ છે. તેમજ કાર્નીએ ગુરુવારે સ્વીકાર્યું કે ટ્રમ્પ પ્રશાસન સાથેનો વ્યાપક વેપાર કરાર હવે પહોંચની બહાર છે.