કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ

October 28, 2025

કેન્યામાં એક વિમાન દુર્ઘટના ઘટી છે, જેમાં 12થી વધુ લોકોના મોતની આશંકા છે.  કેન્યાના દરિયાકાંઠાના પ્રદેશ ક્વાલેમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કેન્યાના અધિકારીઓએ અકસ્માત અંગે માહિતી જાહેર કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા નેશનલ રિઝર્વના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જતી વખતે ક્રેશ થયું હતું. આ અકસ્માત ડાયાની એરસ્ટ્રીપથી લગભગ 40 કિલોમીટર દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો.

ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળ પર શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેની વધુ વિગતો પછી જાહેર કરવામાં આવશે. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે વિમાનમાં 12 લોકો સવાર હતા અને અધિકારીઓ પ્લેન ક્રેશના કારણની તપાસ કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું અને આગના જ્વાળામાં લપેટાયું હતું. ઘટનાસ્થળે ખરાબ રીતે બળી ગયેલો કાટમાળ જ મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે, વિમાન ક્રેશ થયું છે, ઘટનાસ્થળે માત્ર કાટમાળ અને  માનવ અવશેષો વિખેરાયા હતા.