ચીને સરહદથી માત્ર 40 KM દૂર બનાવ્યા 36 એરક્રાફ્ટ શેલ્ટર; ભારતની ચિંતા વધી

October 28, 2025

નવી દિલ્હી: ભારત સાથે જોડાયેલી સરહદ પર ચીન સેનાનો જમાવડો વધારી રહી છે, એવામાં એક ચિંતાજનક અહેવાલ મળ્યો છે. અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી મેકમોહન લાઇનથી લગભગ 40 કિલોમીટર ઉત્તરમાં તિબેટના લુન્ઝે એરબેઝ પર ચીને 36 એરક્રાફ્ટ શેલ્ટર બનાવ્યા છે. ચીને બેઝ પર નવા એડમિનિસ્ટ્રેશન બ્લોક અને એક નવા એપ્રોનનું બાંધકામ પણ પૂર્ણ કર્યું છે.

ચીનનું લુન્ઝે એરબેઝ અરુણાચલ પ્રદેશના વ્યૂહાત્મક શહેર તવાંગથી માત્ર 107 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરબેઝ પર એરક્રાફ્ટ શેલ્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ચીન ત્યાં ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કરી શકાશે. આ એરબેઝથી ચીનની સેના થોડી જ મિનિટોમાં ભારતના અરુણાચલ પ્રદેશ અને આસામ સુધી પહોંચી શકે છે.


એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ સંરક્ષણ નિષ્ણાતોએ જણાવ્યું કે ચીએન તેની સેના અને એટેક હેલિકોપ્ટર લુન્ઝેમાં તૈનાત કરશે. આ એરબેઝ ખાતે ભૂગર્ભ ટનલોમાં દારૂગોળો અને ફ્યુઅલ પહેલાથી જ રાખવામાં આવ્યુ છે.

અહેવાલ મુજબ એરબેઝ પર બનાવવામાં આવેલા મજબુત શેલ્ટર્સથી ચીન તેના એર ક્રાફ્ટને ભારતીય સેનાની સંભવિત એર સ્ટ્રાઈકથી સલામત રાખી શકાશે. અહેવાલમાં ભારતીય સેનાના પૂર્વ અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે એર બેઝ નિર્માણ અને અપગ્રેડેશન ભારત માટે ગંભીર જોખમ બની શકે છે. ચીન ભવિષ્યમાં સંભવિત યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું છે.