દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન HCએ આપી રાહત

October 29, 2025

જોધપુર : સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર 6 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ વખતે, આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.

વર્ષ 2013માં જોધપુરમાં એક સગીરે આસારામ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, જોધપુર પોલીસે આસારામને તેમના છિંદવાડા આશ્રમમાંથી ધરપકડ કરી, તેમને જોધપુર લાવીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા. 25 એપ્રિલ, 2018ના રોજ, જોધપુરની એક કોર્ટે જાતીય ગેરવર્તણૂક બદલ આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આસારામે સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી, પરંતુ રાહત નકારી કાઢવામાં આવી. આસારામે 2025માં તબીબી સારવાર માટે વચગાળાના જામીન માંગ્યા.