અમેરિકામાં નોકરી કરતાં ભારતીયોને વધુ એક ઝટકો! ઓટોમેટિક રિન્યૂ નહીં થાય આ લોકોના વર્ક પરમિટ

October 30, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પ્રવાસીઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જે અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી પર સીધી અસર કરશે. આ નવો નિયમ EAD ધરાવતા પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી નહીં આપે, જેમણે પોતાની વર્ક પરમિટની મુદ્દત પૂર્ણ થયા પહેલાં જ વિઝા રિન્યુઅલ માટે અરજી આપી છે. આ નિયમ પૂર્વ પ્રમુખ જો બાઈડેનની વિઝા રિન્યુઅલનો જવાબ આવે ત્યાં સુધી પ્રવાસીઓને કામ કરવાની મંજૂરી આપવાની નીતિનો અંત લાવશે.

યુએસ સીટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIS)ના ડિરેક્ટર જોસેફ એડ્લોએ જણાવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પના નિર્દેશો હેઠળ તેમની એજન્સી હવે વિદેશી નાગરિકોની તપાસ અને વેરિફિકેશનને નવો આકાર આપી રહી છે. આ પગલું સામાન્ય છે. જેનાથી ખાતરી કરવામાં આવશે કે, કોઈપણ વિદેશી નાગરિકને કામ કરવાની મંજૂરી અને ડોક્યુમેન્ટ્સ રિન્યુ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ અને સ્ક્રિનિંગ કરવામાં આવે. તમામ વિદેશી નાગરિકોએ યાદ રાખવુ પડશે કે, અમેરિકામાં કામ કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે.

EAD એક એવો દસ્તાવેજ છે, જે પ્રવાસી અને શરણાર્થી અરજદારોને અમેરિકામાં કામ કરવા મંજૂરી આપે છે. ગ્રીનકાર્ડ ધારકો અને એચ-1બી, એલ-1 અને O-1 વિઝાધારકોને EADની જરૂર પડતી નથી.  પરંતુ અમુક એચ-4 વિઝાધારક જીવનસાથી, ગ્રીનકાર્ડધારક જીવનસાથી, અને એફ-1 વિદ્યાર્થીઓને EADની જરૂર પડે છે. વધુમાં વિઝા રિન્યુઅલની પેન્ડિંગ અરજી ધરાવતા અરજદારોને EAD આપવામાં આવે છે. EAD  ધરાવતા મોટાભાગના લોકોને આ નિયમ હેઠળ આવરી લેવામાં આવશે.

જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ જણાવ્યું હતું કે, USCIS ભલામણ કરે છે કે વિદેશી નાગરિકો તેમના EAD સમાપ્ત થાય તેના 180 દિવસ પહેલા રિન્યૂ કરે. અરજી જેટલી મોડી થશે, તેમની કાર્ય અધિકૃતતા અસ્થાયી રૂપે સસ્પેન્ડ થવાની શક્યતા એટલી જ વધારે છે. વધુમાં વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ નવો નિયમ 30 ઓક્ટોબર, 2025 પહેલા આપમેળે લંબાવવામાં આવેલા EAD પર લાગુ થશે નહીં.

નવા નિયમ અનુસાર, જે ઇમિગ્રન્ટ્સ 30 ઓક્ટોબર, 2025 ના રોજ અથવા તે પછી તેમના EAD ના રિન્યૂ માટે અરજી કરે છે, તેમને હવે આપમેળે એક્સટેન્શન મળશે નહીં. મર્યાદિત અપવાદો ફક્ત અમુક પરિસ્થિતિઓમાં જ કરવામાં આવશે, જેમ કે TPS-સંબંધિત રોજગાર દસ્તાવેજો માટે. USCIS એ જણાવ્યું હતું કે આ ફેરફાર હવે ઇમિગ્રન્ટ્સની વધુ વારંવાર તપાસ કરવાની મંજૂરી આપશે, જેનાથી એજન્સી છેતરપિંડી અટકાવી શકશે અને સંભવિત નુકસાનકારક ઇરાદા ધરાવતા વ્યક્તિઓને ઓળખી શકશે. આવા વ્યક્તિઓનો દેશનિકાલ કરવામાં આવશે.