મ્યાનમારમાં ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો, હવે થાઈલેન્ડમાં ફસાયા

October 30, 2025

થાઇલેન્ડમાં હાલમાં લગભગ 500 ભારતીયો અટકાયતમાં છે. આ તમામની ત્યાની સરકારે ધરપકડ કરી છે, કારણ કે તેઓ જીવ બચાવવા માટે સરહદ ઓળંગીને મ્યાનમારથી થાઇલેન્ડ આવ્યા છે. અજાણતાં, આ બધા લોકો મ્યાનમારના કેકે પાર્કમાં ચાલી રહેલા એક ચીની સાયબર ક્રાઇમ નેક્સસનો ભાગ બની ગયા હતા, જે રેકેટ ચીનનું માફિયા ચલાવે છે.

ગયા અઠવાડિયે, મ્યાનમારની મિલિટરી જુન્ટાએ સાયબર ક્રાઇમ થતી જગ્યા પર દરોડો પાડ્યો. આનો ફાયદો ઉઠાવીને, જબરદસ્તીથી કામ કરાવવામાં આવતા લગભગ 700 લોકો ભાગી નીકળ્યા, જેમાંથી લગભગ 500 લોકો ભારતીય છે. આ નાગરિકોને પાછા લાવવા માટે, ભારત સરકાર હાલમાં થાઇલેન્ડની સરકાર સાથે સંપર્કમાં છે.

ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, 'મંત્રાલય થાઇલેન્ડમાં અટકાયત કરાયેલા ભારતીયોની સ્થિતિથી વાકેફ છે. તેમને ઘરે પાછા લાવવા માટે MEA થાઇ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે. અમને તે ભારતીય નાગરિકો વિશે જાણ છે, જેમની થાઇ અધિકારીઓએ અટકાયત કરી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં મ્યાનમારથી થાઇલેન્ડમાં પ્રવેશ્યા હતા. થાઇલેન્ડમાં અમારું મિશન થાઇ અધિકારીઓ સાથે મળીને તેમની નાગરિકતા ચકાસવા અને થાઇલેન્ડમાં જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા બાદ તેમને પાછા મોકલવા માટે કામ કરી રહ્યું છે.'