સદીના સૌથી ખતરનાક વાવાઝોડામાં 29ના મોત, હજુ ટળ્યો નથી 'મેલિસા ચક્રવાત'નો ખતરો!

October 30, 2025

જમૈકામાં ભારે તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું મેલિસા હવે ક્યુબા તરફ આગળ વધ્યું છે. મેલિસાને છેલ્લા 90 વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું માનવામાં આવે છે. આ ભયંકર વાવાઝોડાને કારણે હૈતી, જમૈકા અને ડોમિનિકન રિપબ્લિકમાં અત્યાર સુધીમાં કુલ 29 લોકોનાં મૃત્યુ થયા છે અને દેશમાં ભારે વિનાશ થયો છે.

યુએસ એજન્સી નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના ડેટા અનુસાર, વાવાઝોડું મેલિસા વર્ષ 1935ના 'લેબર ડે વાવાઝોડા' પછીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. 1935ના વાવાઝોડાએ 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ફ્લોરિડા કીઝમાં વિનાશ વેર્યો હતો. હવે વાવાઝોડું મેલિસા પણ તે જ ભયાનક ગતિએ કેરેબિયન દેશો તરફ આગળ વધી રહ્યું છે.

મેલિસા વાવાઝોડાએ જમૈકામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. દેશમાં તબાહી મચાવ્યા બાદ જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસે લાગણીસભર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'અમારો દેશ તબાહ થઈ ગયો છે, પરંતુ અમે ફરીથી ઊભા થઈશું, પહેલા કરતાં પણ વધુ સારી રીતે. હું જાણું છું કે ઘણાં લોકો શોકમાં છે, તેમના ઘરો નાશ પામ્યા છે, પરંતુ અમે રાહત પૂરી પાડવા અને પુનઃનિર્માણ માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ.'

અહેવાલો અનુસાર, બુધવારે (29મી ઓક્ટોબર) મેલિસા વાવાઝોડું ક્યુબા પહોંચ્યું હતું. ક્યુબામાં ભારે વિનાશનો અહેવાલ છે. ક્યુબા સરકારે 5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ કેનેલે જણાવ્યું હતું કે, 'દેશને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ક્યુબા માટે ખૂબ જ મુશ્કેલીનો સમય છે.' આ વાવાઝોડું હાલમાં ઉત્તરપૂર્વ તરફ વળી રહ્યું છે અને ક્યુબાના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગો ડી ક્યુબા તરફ આગળ વધી રહ્યું છે. બહામાસમાં પણ મેલિસાના આગમન પહેલાં દક્ષિણ વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મેલિસા વાવાઝોડાના કારણે કુલ 29 લોકોના મોત થયા છે. જેમા જમૈકાના ત્રણ, હૈતીના 25 અને ડોમિનિકન રિપબ્લિકનો એકનો સમાવેશ થાય છે. દક્ષિણ હૈતીના દરિયાકાંઠાના શહેર પેટિટ-ગોઆમાં લા ડિગ નદી ઓવરફ્લો થઈ ગઈ, જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા અને 25 લોકો મૃત્યુ નિપજ્યા હતા. જમૈકામાં વાવાઝોડાની તૈયારીમાં વૃક્ષો કાપતી વખતે ત્રણ લોકો મૃત્યુ પામ્યા, જ્યારે એક વીજળીનો કરંટ લાગ્યો હતો. હાલમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જ્યારે વાવાઝોડાની ગતિવિધિ પર આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સતત નજર રાખી રહી છે.