બ્રિટનના કિંગ ચાર્લ્સે લંડનમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન, મહંત સ્વામીએ પત્ર લખી આપ્યા આશીર્વાદ

October 30, 2025

 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત અને 'નીસડન મંદિર' તરીકે વિશ્વભરમાં લોકપ્રિય, લંડન BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શને 199થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા ત્રીસ વર્ષોમાં, દેશ-વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે. સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સમાવેશ આ મુલાકાતીઓમાં થાય છે. આ મંદિરની દિવ્ય આભા દરેક દર્શનાર્થીના હૃદય પર એક અમીટ છાપ છોડવા માટે જાણીતી છે.

હાલમાં, દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના ઉત્સવમય માહોલમાં અને મંદિરના 30 વર્ષ પૂર્ણ થવાથી બ્રિટનના મહારાજા ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની મહારાણી કેમિલા નીસડન મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા.

આ અવસર પર, લંડન BAPS સ્વામિનારાયણ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ શ્રી જીતુભાઈ પટેલે શાહી પરિવારનું સ્વાગત કર્યું. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકે અગાઉ મુલાકાતો લીધા બાદ, રાજા અને રાણી તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી. શાહી પરિવારે મંદિરની અગાઉ પણ અનેક મુલાકાતો લીધી છે, જે BAPS હિન્દુ સમુદાય સાથેના તેમના લાંબા અને સ્નેહપૂર્ણ સંબંધોને સ્પષ્ટપણે દર્શાવે છે.

1995માં ઉદ્ઘાટન થયા પછી, નીસડન મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધા, સેવા અને ભારતીય સંસ્કૃતિનું અદ્વિતીય પ્રતીક ગણાતા આ મંદિરે બાળ અને યુવા વિકાસ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ, સ્વાસ્થ્ય અને માનવીય સહાય જેવી અનેક સેવા પ્રવૃત્તિઓ દ્વારા બ્રિટિશ સમાજમાં સતત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.