કેનેડાના વડાપ્રધાન કાર્ની સાથેની મંત્રણામાં ટ્રમ્પે ફરી કેનેડાને યુ.એસ.ના 51માં રાજ્યની જોક કરી

October 09, 2025

વોશિંગ્ટન : વ્હાઇટ-હાઉસમાં યોજાયેલી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની દ્વિપક્ષીય મંત્રણામાં કેટલીક હળવી ક્ષણો પણ આવી હતી તે દરમિયાન પ્રમુખ ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય કહ્યું હતું. જોકે પછી તુર્ત જ તેઓ કહ્યું હતું કે, 'આ તો એક વ્યંગ (જોક) માત્ર છે.'

ઉલ્લેખનીય છે કે પૂર્વે પણ કરેલી આ પ્રકારની ટ્રમ્પની જોક પ્રત્યે કાર્નીએ ઘણી જ નારાજગી દર્શાવી હતી પરંતુ મંગળવારે ટ્રમ્પ સાથે યોજાયેલી મંત્રણામાં ટ્રમ્પે સ્પષ્ટતા કરતાં માર્ક કાર્નીએ ટ્રમ્પની તે જોક તરીકે સ્વીકારી હતી. મહત્વની વાત તો તે છે કે કોઈ ગંભીર નિર્ણય સમયે પ્રમુખ ટ્રમ્પ લાલ ટાઇ જ પહેરે છે તે રીતે મંગળવારની ટ્રમ્પ સાથેની મંત્રણા સમયે કાર્નીએ લાલ ટાઇ પહેરી હતી.

આ મંત્રણા દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, 'બંને દેશો વચ્ચે કેટલાક મતભેદો છે પરંતુ તે ઉકેલી શકાશે.'

આ મુલાકાત દરમિયાન માર્ક કાર્નીએ ભારત-પાક યુદ્ધ રોકવામાં ટ્રમ્પે આપેલા ફાળાની પ્રશંસા કરી હતી. (ભારતે ટ્રમ્પનો તે દાવો ફગાવી દીધો છે તે અલગ વાત છે).

કાર્નીએ બંને વચ્ચેની મંત્રણાની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, 'આ (મંત્રણા) ઘણી બાબતો અંગે તેઓએ આટલું કહ્યું ત્યાં ટ્રમ્પે વચમાં જ કહી દીધું કેનેડાનાં જોડાણ સહિત જોકે તુર્ત જ કહ્યું આ તો હું 'જોક' કરતો હતો.' તે પછી આગળ કાર્નીએ વાક્ય ફરી બોલ્યા હતા અને કહ્યું, 'હું તે રીતે વાક્ય પુરૂ કરવાનો ન હતો.'

આ પછી બંને નેતાઓ વચ્ચે 'ગાઝા-પીસ-પ્લાન' વિષે પણ ચર્ચા થઈ હતી સાથે ટ્રમ્પે કહ્યું હું કેનેડા, અમેરિકા અને મેક્ષિકો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય તે દ્રષ્ટિએ આગળ વિચારી રહ્યો છું.

આ રીતે ટ્રમ્પ કેનેડા, અમેરિકા અને મેક્ષિકોનું એક વિશિષ્ટ જૂથ રચાવાની સંભાવના દેખાઈ રહી છે જે ચીન-રશિયા, ઉ.કોરિયા અને ઈરાનનાં પૂર્વ ગોળાર્ધમાં પ્રચંડ ભૂ રાજકીય જૂથ સામે કેનેડા-અમેરિકા અને મેક્ષીકોનું જૂથ રચાશે ? નિરીક્ષકો કહે છે તે ભવિષ્યમાં બને પણ ખરૂં.