કેનેડાએ લૉરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, કહ્યું- ગેંગવોર અને હત્યાઓમાં સંડોવણી

September 30, 2025

કેનેડા સરકારે સોમવારે (29 સપ્ટેમ્બર) કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ઘણા સમયથી ગેંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી હતી. સરકારે દાવો કર્યો છે કે, લૉરેન્જની ગેંગ કેનેડામાં અનેક ગેંગવોર અને હત્યાઓમાં સંડોવાયેલી છે.

કેનેડાના જાહેર સુરક્ષા મંત્રી ગૈરી આનંદસાંગરી (Gary Anandasangaree)એ આ જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે, ‘આજે અમારી સરકારે બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન (Prohibited Terrorist Organization) જાહેર કર્યું છે. કેનેડામાં હિંસા, આતંક અને સમુદાયોને ધમકાવવાનું ક્યારેય સહન કરવામાં આવશે નહીં.’  જ્યારે કેનેડામાં માર્ક કાર્નીની સરકાર હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘તેઓ ગેંગને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ પર વિચારણા કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં ભારતમાં ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે.

કેનેડાના ટોરન્ટોમાં 14 મેએ 51 વર્ષીય ભારતીય મૂળના ઉદ્યોગપતિ હરજીત સિંહ ઢડ્ડાની તેમના ઓફિસના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા (Murder) કરાઈ હતી. હુમલાખોરોએ તેમને આડેધડ ગોળીઓ મારી હતી. આ ઘટના બાદ તરત જ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા બે લોકોએ ફેસબુક પોસ્ટ કરીને ઢડ્ડાની હત્યાની જવાબદારી સ્વિકારી હતી. આ ઉપરાંત આ ઘટનાના બે મહિના અગાઉ બ્રિટિશ કોલંબિયાના સરેમાં અને તે જ મહિને બ્રેમ્પટનમાં પણ અન્ય ભારતીય મૂળના ઉદ્યોગપતિઓની હત્યા થઈ હતી. કેનેડિયન તપાસ એજન્સીઓએ દાવો કર્યો છે કે, આ તમામ હત્યાઓનું કનેક્શન ભારતમાં સક્રિય લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલું છે.