કેનેડા,ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર

September 20, 2025

લગભગ 11 મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (NSA) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસને આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતનો હાથ છે. હવે આ બંને અધિકારીઓએ ભારત આવી  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત વખતે બેઠકમાં બંને દેશોના સંબંધો અંગે મહત્ત્વની ચર્ચાઓ પણ થઈ છે અને આ સાથે વિદેશ મંત્રાલયે મહત્ત્વનું નિવેદન પણ જાહેર કર્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે ભારત-કેનેડાના સંબંધો અંગે આજે (20 સપ્ટેમ્બર) મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, બંને દેશો સંબંધોની નવી શરૂઆત કરવા માટે સંમત થયા છે, જેમાં ખાસ કરીને આતંકવાદ વિરોધી અને સુરક્ષા સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બંને દેશોના સંબંધો અંગે માહિતી આપતા કહ્યું કે, ‘ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (Ajit Doval) અને તેમના કેનેડિયન સમકક્ષ નથાલી ડ્રોઈન (Nathalie Drouin) વચ્ચે ગુરુવારે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેમાં વ્યાપક ચર્ચા કર્યા બાદ બંને દેશોના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

G7 સંમેલનમાં બંને દેશોના PM વચ્ચે થઈ હતી મુલાકાત

થોડા દિવસ પહેલા જ G7 શિખર સંમલેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narenda Modi) અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે મુલાકાત અને ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ ભારત-કેનેડાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 2023માં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થયા બાદ ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ ખરાબ રીતે બગડ્યા હતા. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, બંને પક્ષોએ ભવિષ્યના સંબંધો માટે સહયોગાત્મક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઉચ્ચતમ રાજકીય નેતૃત્વના સ્તરે વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા અને સહકાર વધારવા માટે સ્પષ્ટ ગતિ મળી છે."

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. 18 જૂન, 2023ના રોજ, બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ અહીંથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડવાની શરૂઆત થઈ હતી.