સ્પેનમાં ભારે વરસાદ બાદ 5.3ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો, એરપોર્ટની છત થઈ ધરાશાયી

July 15, 2025

દક્ષિણ સ્પેનમાં એક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી છે. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે થોડા કલાકો પહેલા જ ભારે વરસાદ અને પૂરને કારણે આ વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે.  એક અહેવાલ મુજબ ભૂકંપના આંચકાને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં એક એરપોર્ટની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.

સ્પેનની નેશનલ જિયોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે સવારે 7:13 વાગ્યે અલ્મેરિયા કિનારા નજીક કાબો ડી ગાટા વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા IV-V એટલે કે યુરોપિયન મેક્રોઈઝમિક સ્કેલ પર મધ્યમથી મજબૂત નોંધાઈ હતી. કોસ્ટા ડેલ સોલ અને એલિકેન્ટ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ તેના આંચકા અનુભવાયા હતા. સ્પેનમાં ઈમરજન્સી સેવાઓ એલર્ટ પર છે અને વધુ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.