સંભલમાં કૂવા પર પૂજા નહીં કરી શકાય, કોર્ટે રોક લગાવી સરકાર પાસે રિપોર્ટ માગ્યો

January 10, 2025

શાહી જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ દાખલ કરી હતી અરજી


સંભલ : સુપ્રીમ કોર્ટે સંભલમાં જામા મસ્જિદ પાસેના કૂવાને હરિ મંદિરનો કૂવો કહેવા અને પૂજાની મંજૂરી આપવાના નગર પાલિકાના નોટિફિકેશન પર રોક લગાવી દીધી છે. જોકે, કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું કે, મસ્જિદ સિવાય બીજા લોકો પણ કૂવાનો ઉપયોગ કરી શકે છે, તેના પર કોઈ રોક લગાવવામાં નથી આવી. આ સિવાય સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ મામલે આગળની સુનાવણી 21 ફેબ્રુઆરીએ થશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ સંજય કુમારની ખંડપીઠે નિર્દેશ કર્યો કે, મંજૂરી વિના કૂવાના સંબંધિત કોઈ પગલું લેવામાં નહીં આવે. આ સાથે જ અધિકારીઓને બે અઠવાડિયાની અંદર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. 


શાહી જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ દાખલ કરેલી અરજીમાં સંભલ સિનિયર ડિવિઝન સિવિલ જજે 19 નવેમ્બર, 2024ના આદેશને ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેમાં મસ્જિદના સર્વેક્ષણને લઈને એડવોકેટ કમિશનરની નિયુક્તિની મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, સર્વેક્ષણના કારણે હિંસા અને જાનહાનિ થઈ છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે તત્કાલ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.