સુદાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી આખું ગામ દટાયું, 1000 લોકોના મોત

September 02, 2025

સતત વરસાદ પડતા ભૂસ્ખલન થયું, આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ મગાઈ


ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા સુદાનમાં હવે કુદરતી આફત ત્રાટકી છે. પશ્ચિમી દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થતાં આખું એક ગામ દટાઈ ગયું છે, જેમાં અંદાજે 1000થી વધુ લોકોના મોત થયા હોવાની સંભાવના છે. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. સુદાન લિબરેશન મૂવમેન્ટ આર્મીના નેતા અબ્દેલવાહિદ મોહમ્મદ નૂરે જણાવ્યું કે, માર્રા પર્વતીય ગામમાં સતત ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રવિવારે અચાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં આખું ગામ દટાઈ ગયું છે. આ ઘટનામાં એક માત્ર વ્યક્તિ જીવીત બચ્યો છે, જે આઘાતમાં છે.
ઘટના બાદ દારફુર વિસ્તાર પર નિયંત્રણ ધરાવતા વિદ્રોહી જૂથે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓ પાસેથી મદદ માંગી છે. મળતી માહિતી અનુસાર, મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. વિદ્રોહી જૂથે કહ્યું કે, શરૂઆતની માહિતી મુજબ ગામના તમામ રહેવાસીઓના મોત થયા છે અને એક હજારથી વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ગૃહયુદ્ધને કારણે પોતાના ઘર છોડીને ભાગી ગયેલા અનેક લોકોએ આ ગામમા આશરો લઈ રહ્યા હતા. દારફુરના ગવર્નર મિન્ની મિન્નાવીએ આ ભૂસ્ખલનને એક માનવીય દુર્ઘટના ગણાવી છે.