હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ

September 17, 2025

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદમાં રાહત જોવા મળી હતી. જોકે, આજે (17 સપ્ટેમ્બર) મેઘરાજાનું ફરી આગમન થયું છે. એવામાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. જેમાં 17 થી 20 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. ચાલો જાણીએ નવરાત્રિ પહેલા કેવો રહેશે વરસાદ.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી ચાર દિવસ એટલે કે, નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. 

રાજ્યમાં બુધવાર (17 સપ્ટેમ્બર), ગુરૂવાર (18 સપ્ટેમ્બર), શુક્રવાર (19 સપ્ટેમ્બર) અને શનિવાર (20 સપ્ટેમ્બર) 29 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે મુજબ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી, ખેડા, વડોદરા, વલસાડ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં આવનારા ચાર દિવસમાં છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.