કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી

November 21, 2023

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃતિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થકો હિન્દુ લક્ષમી નારાયણ મંદિરમાં  મુશ્કેલી ઊભી કરવા માગે છે.

ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા લખ્યું  છે કે કેટલાક અહેવાલો અનુસાર ગયા અઠવાડિયે ખાલિસ્તાન સમર્થકોએ સરેમાં ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાન સમર્થકો સરેના હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઉભી કરવા માંગે છે. આ મામલે ચંદ્ર આર્યએ  વધુમાં કહ્યું કે આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. તેથી ફરી એકવાર હું કેનેડિયન સત્તાધીશોને કાર્યવાહી કરવા અને કડક પગલાં લેવાનું કહી રહ્યો છું.

આ ઉપરાંત કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુ મંદિરો પર ઘણીવાર હુમલા થયા છે. હિંદુ-કેનેડિયનો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે આ વસ્તુઓને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવાની મંજૂરી આપવી સ્વીકાર્ય નથી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા ખાલિસ્તાન લોકમતના પોસ્ટરો સાથે એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના દરવાજા પરના પોસ્ટરમાં ખાલિસ્તાનના વડા અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો, જે આ વર્ષે જૂનમાં માર્યો ગયો હતો.