ભારતની એક પછી એક પાંચ ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામનું ઇમર્જન્સી લેન્ડિંગ

October 15, 2024

દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ દ્વારા મંગળવારે એક બાદ એક એમ પાંચ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેમાં એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જનારી ફ્લાઇટ પણ સામેલ છે. ફ્લાઇટ્સમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ઍલર્ટ જાહેર કરીને તમામ ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. જોકે, ફ્લાઇટ્સમાં હજુ સુધી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાંચ વિમાનોને ધમકી આપવામાં આવી, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની જયપુરથી અયોધ્યા થઈને બેંગાલુરૂ જનારી ફ્લાઇટ (IX765), સ્પાઇસ જેટની દરભંગાથી મુંબઈ જનારી ફ્લાઇટ (SG116), અકાસા એરની સિલીગુડીથી બેંગાલુરૂ જનારી (QP 1373) અને એર ઇન્ડિયાની દિલ્હીથી શિકાગો જનારી ફ્લાઇટ (AI 127) સામેલ હતી. આ સિવાય અન્ય એક ફ્લાઇટને પણ ધમકી મળી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનની અયોધ્યા ઍરપૉર્ટ પર સુરક્ષા તપાસ કરાઈ.હતું.'
આ ફ્લાઇટ દિલ્હીથી શિકાગો જઈ રહી હતી. ધમકી મળ્યા બાદ તેને કેનેડાના ઍરપૉર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. એરલાઇન સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, '15 ઑક્ટોબર, 2024ના રોજ એરક્રાફ્ટ AI 127એ દિલ્હીથી શિકાગો માટે ઉડાન ભરી હતી. સુરક્ષા ખતરા અંગે એક મેઈલમાં ઓનલાઇન પોસ્ટ કરાઈ હતી. ત્યાર પછી સાવચેતીના ભાગરૂપે તેને કેનેડાના ઈકાલુઇટ ઍરપૉર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.'


એર ઇન્ડિયાએ પીટીઆઇને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ વિમાન અને મુસાફરોની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે.' આ સિવાય સોમવારે બોમ્બની ધમકી બાદ મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોટોકોલને અનુસરીને એરક્રાફ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.