આજે નવરાત્રીનો નવમો દિવસ, શાસ્ત્રોથી જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ

October 23, 2023

શારદીય નવરાત્રીમાં નવમા દિવસના પ્રમુખ દેવી મા સિદ્ધિદાત્રી છે. નવદુર્ગા ગ્રંથ પ્રમાણે તેમની ઉપાસના કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. માર્કેણ્ડેય પુરાણમાં આઠ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં 18 સિદ્ધિઓ બતાવવામાં આવી છે.

માર્કેણ્ડેય પુરાણમાં લખેલી સિદ્ધિઓ

અણિમા, મહિમા, ગરિમા, લધિમા પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ

બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણિત સિદ્ધિઓ

1- અણિમા

2- લધિમા

3- પ્રાપ્તિ

4- પ્રાકામ્ય

5- મહિમા

6- ઈશિત્વ, વશિત્વ

7- સર્વકામાવસાયિતા

8- સર્વજ્ઞત્વ

9- દૂરશ્રવણ

10- પરકાયાપ્રવેશન

11- વાસિદ્ધિ

12- કલ્પવૃક્ષત્વ

13- સૃષ્ટિ

14- સંહારકરણસામર્થ્ય

15- અમરત્વ 

16- સર્વન્યાયકત્વ

17- ભાવના

18- સિદ્ધિ

જો દેવી પુરાણના પુરાવા માનીએ તો ભગવાન શિવજીને આ જ માતાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને શિવજીને અર્ધનારીશ્વર રૂપ આ જ દેવીના કારણે પ્રાપ્ત થયુ હતું.

તેમની ચાર ભૂજા છે. નીચલા જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે. નીચલા ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે. તેઓ એક કમળ પર બિરાજમાન છે.

તેમનો મંત્ર છે-

સિદ્ધિ ગન્ધર્વ યક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ।

સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની॥


નવરાત્રીના નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરે છે. તેમની ઉપાસનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવો દિવ્ય ચમત્કાર થાય છે કે કોઈ કામના બાકી નથી રહેતી. આપણને સંસારની નશ્વરતાનો બોધ થઈ જાય છે. આપણે દેવીનું સાનિધ્ય મેળવીને અમૃત રસનું પાન કરવા લાગીએ છીએ. પરંતુ આ સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે ઘોર તપસ્યાની આવશ્યકતા હોય છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. દેવી પુરાણ 3.30.59-60 પ્રમાણે શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન મને નવરાત્રી વ્રતનું સમાપન કરીને દશમી તિથિના રોજ વિજયા પૂજન કરીને અને દાન આપીને કિષ્કિંધા પર્વત પરથી લંકા તરફ પ્રસ્થાન કર્યું હતું. તેથી આ દિવસનું નામ વિજયાદશમી પણ કહેવાય છે.