પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા ભારત સાથે ઉભુ છે

April 23, 2025

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીર તેમજ દિલ્હી અને મુંબઈમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે અમે ભારતની સાથે ઉભા છીએ.

ટ્રમ્પે કહ્યું, "કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ." વડાપ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદનાઓ તમારા બધા સાથે છે."

હાલમાં, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે. તેમણે પહેલગામ હુમલાની પણ નિંદા કરી છે. તેમણે કહ્યું, "હું ભારતના પહેલગામમાં થયેલા દુ:ખદ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે આ દેશ અને તેના લોકોની સુંદરતાથી અભિભૂત થઈ ગયા છીએ. આ ભયાનક હુમલાનો શોક મનાવી રહ્યા છીએ ત્યારે અમારા વિચારો અને પ્રાર્થનાઓ તેમની સાથે છે."