'પવન ખેડા પાસે બે વોટર-ID કાર્ડ', વોટ ચોરી મુદ્દે ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર

September 02, 2025

ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ પર ફરીથી ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ-અલગ વિધાનસભા વિસ્તારોમાં સક્રિય વોટર આઈડી કાર્ડ છે. આ ઉપરાંત, તેમણે રાહુલ ગાંધીના 'વોટ ચોરી' અભિયાન પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા મળતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું હતું. આ બાબતે ચૂંટણી પંચને તપાસ કરવાની અપીલ કરવામાં આવી છે.

અમિત માલવિયાએ મંગળવારે X પર લખ્યું કે, 'રાહુલ ગાંધી 'વોટ ચોરી'નો આરોપ લગાવે છે, પરંતુ તેમની માતા સોનિયા ગાંધીએ ભારતીય નાગરિક બનતા પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી દીધું હતું.' માલવિયાએ એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા પાસે બે અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં બે સક્રિય એપિક નંબર છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાના 2 એપિક નંબર

પહેલા વોટર આઈડીની વિગતો

નામ: પવન ખેડા

પિતાનું નામ: એચ.એલ. ખેડા

એપિક નંબર: XHC1992338

વિધાનસભા: 41 જંગપુરા

પાર્ટ નંબર: 28

પાર્ટનું નામ: નિઝામુદ્દીન ઈસ્ટ

સીરિયલ નંબર: 929

બીજા વોટર આઈડી કાર્ડની વિગતો

નામ: પવન ખેડા

પિતાનું નામ: એચ.એલ. ખેડા

એપિક નંબર: SJE 0755967

વિધાનસભા: 40 નવી દિલ્હી

પાર્ટ નંબર: 78

પાર્ટનું નામ: કાકા નગર

સીરિયલ નંબર: 820

અમિત માલવિયાએ ચૂંટણી પંચને પવન ખેડા પાસે બે વોટર આઈડી હોવા અને એકથી વધુ વખત મતદાન કરવાના આરોપોની તપાસ કરવા જણાવ્યું. તેમણે ખેડા પર બિહારમાં ગેરમાર્ગે દોરનારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ પણ લગાવ્યો. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ તેમના ખોટા આરોપો અંગે કોઈ ઔપચારિક ફરિયાદ કરી નથી અને સુપ્રીમ કોર્ટે પણ મહારાષ્ટ્રમાં આ પ્રકારના આરોપોને રદ કરી દીધા છે.

અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસ જ અસલી 'વોટ ચોર' છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ગેરકાયદેસર ઘૂસણખોરોને મતદાર તરીકે માન્યતા આપીને ભારતીય લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસને ડર છે કે ચૂંટણી પંચની ઝુંબેશથી તેમનો પર્દાફાશ થશે અને દેશને સમજવું જોઈએ કે રાહુલ ગાંધી લોકશાહી માટે ખતરનાક છે.