શેરબજારમાં ખુશનુમા માહોલ, સેન્સેક્સમાં 700થી વધુ પોઇન્ટ ઉછાળો, નિફ્ટી 26000 ક્રોસ, ટેલિકોમ શેર્સ બુમ

October 27, 2025

નવા વર્ષમાં શેરબજાર આકર્ષક સુધારા સાથે રોકાણકારોને રાહત આપી રહ્યું છે. આજે સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળી 85000 તરફ, જ્યારે નિફ્ટી પણ 26,000ની સપાટીએ પહોંચ્યો હતો. 11.30 વાગ્યા આસપાસ સેન્સેક્સ 720.2 પોઇન્ટ ઉછળી 84932.08ના સ્તરે પહોંચ્યો હતો. જે 12.21 વાગ્યે 653 પોઇન્ટના ઉછાળે 84866 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં એકંદરે તેજીના માહોલ સાથે નિફ્ટીએ આજે 26000નું લેવલ ક્રોસ કર્યું હતું. જે 12.22 વાગ્યે 189.40 પોઇન્ટના ઉછાળે 25992.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટેલિકોમ્યુનિકેશન, મેટલ, રિયાલ્ટી અને એનર્જી શેર્સમાં મબલક ખરીદી જોવા મળી છે. સુપ્રીમ કોર્ટે એજીઆર કેસમાં ટેલિકોમ કંપનીઓની અરજીને ધ્યાનમાં લેતાં રાહત આપતાં નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને એજીઆર મામલે પુનર્વિચાર કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશના આધારે NSE પર વોડાફોન આઇડિયાના શેર 9% વધીને રૂ. 10.47 પર ટ્રેડ થયો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 20 કરોડ યુઝર્સના હિતમાં ફક્ત વિશિષ્ટ તથ્યો અને સંજોગોને ધ્યાનમાં લેતાં આ આદેશ પસાર કરવામાં આવ્યો છે.