ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો

September 25, 2025

ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 15 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસનો મારો ચલાવાયો હતો. પથ્થરમારાની ઘટનામાં પાંચ સ્થાનિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી પણ સામે આવી છે. 

જોકે સ્થિતિ વધારે ન બગડે તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. માહિતી અનુસાર સૂત્રો જણાવે છે કે પોલીસ જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડાયું હતું.