આતંકવાદીઓને ઉછેરીને અમે બહુ મોટી ભૂલ કરી છે : બિલાવલ

May 02, 2025

દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ થોડા દિવસ પહેલા ભારતને ધમકી આપી હતી. સિંધુ જળ કરારને રોકવા બાબતે બિલાવલે કહ્યું હતું કે, સિંધુ નદીમાં જો પાણી નહીં વહે તો તેમાં લોહી વહાવી દઇશું. તેમની આ ટિપ્પણીની ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, આ દરમિયાન તેમણે એક એવું કબૂલનામું કર્યું, જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સામે ઉજાગર કરી દીધા છે. બિલાવલ ભુટ્ટોએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલનામાને સાચું જણાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. અમે આશરે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ કામ કર્યું છે. અમને આતંકવાદીઓને પાળવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.'


હવે બિલાવલ ભુટ્ટોએ પણ આ વાતને યોગ્ય જણાવી છે. એક ઇન્ટરવ્યુમાં વાત કરતાં સમયે બિલાવલે કહ્યું કે, 'જ્યાં સુધી સંરક્ષણ મંત્રીની વાત છે. મને નથી લાગતું કે, એમાં કોઈ રહસ્ય છે કે પાકિસ્તાનનો એક ઇતિહાસ રહ્યો છે. તેનું પરિણામ આપણને ભોગવવું પડ્યું છે. આપણે ત્યાં કટ્ટરતાની લહેર પેદા થઈ. પરંતુ, હવે આપણે થોડાં પાઠ પણ ભણ્યા છે. આપણે આ સમસ્યાનો સામનો કરવા માટે અમુક આંતરિક સુધારા પણ કર્યા છે. એ હકીકત છે કે, પાકિસ્તાનનો એક કટ્ટરતાનો ઇતિહાસ રહ્યો છે, જેને નકારી ન શકાય. પરંતુ, હવે આપણે તેનાથી આગળ નીકળી ગયા છીએ.' પાકિસ્તાનના ઇતિહાસ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ ગઈકાલ જ છે. આજનો નિર્ણય આપણા કાલથી પ્રભાવિત નથી. એ વાત સાચી છે કે, તે આપણી દુર્ભાગ્યપૂર્ણ કાલ હતી. હવે પાકિસ્તાને આતંકવાદનો સામનો કરવા યોગ્ય પગલાં લીધા છે અને તેની અસર પણ જોવા મળે છે.'


ખ્વાજા આસિફને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમે માનો છો કે, પાકિસ્તાનનો આતંકવાદનું સમર્થન કરવા, ટ્રેનિંગ અને ફંડિગ આપવાનો ઇતિહાસ રહ્યો છે? 
પ્રશ્નનો જવાબ આપતાં ખ્વાજા આસિફે કહ્યું હતું કે, 'પાકિસ્તાને લગભગ ત્રણ દાયકા સુધી આ ગંદુ કામ અમેરિકા માટે કર્યું છે. પશ્ચિમી દેશો અને બ્રિટન માટે પણ આવું જ કર્યું છે. આ આપણી ભૂલ હતી અને તેનું પરિણામ ભોગવી રહ્યા છીએ.