ભાજપ વિરુદ્ધ 100% કચકચાવીને મતદાન કરાવીશું, રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોનો નવો સંકલ્પ

April 21, 2024

અમદાવાદ : ક્ષત્રિયોનું આંદોલન પાંચ દિવસ પહેલા તા. 16ના વિશાળ ક્ષત્રિય સંમેલન વખતે  રૂપાલાથી આગળ વધીને ભાજપ તરફ વળ્યું છે અને રૂપાલાને નહીં બદલાવાતા આંદોલન જારી રાખવાનો નિર્ણય પણ અગાઉ લેવાયો હતો ત્યારે હવે આ આંદોલન કઈ રીતે આગળ વધારવું તેની આજે રાજકોટમાં રણનીતિ ઘડવામાં આવી હતી. જે મૂજબ ભાજપ વિરૂધ્ધ કચકચાવીને મતદાન કરાવવા નિર્ણય લેવાયો છે. ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ આ અંગે જણાવ્યું કે ક્ષત્રિયો 100 ટકા મતદાન કરે તે માટે અમે પૂરી તાકાત લગાવી દેશું. મતદાનનો બહિષ્કાર કરવાનો કોઈએ વિચાર પણ કરવાનો નથી તેવો સ્પષ્ટ નિર્ણય લેવાયો છે અને આ ઉપરાંત 'નોટા' કે અપક્ષોને મત પણ આપવાનો નથી. આથી જ કોઈ ક્ષત્રિય આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી નથી. પરંતુ,અમારી લાગણીને નહીં સમજનાર ભાજપની વિરૂધ્ધ મહત્તમ મતદાન કરાવીશું. ભાજપની નજીકના પ્રતિસ્પર્ધીની તરફેણમાં મતો આપવા અને અન્ય સમાજના અપાવવા અમે પ્રયાસ કરીશું. 


આનો સૂર એ પણ નીકળે છે કે ક્ષત્રિયો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવશે, કારણ કે ભાજપના મુખ્ય પ્રતિસ્પર્ધી આ ચૂંટણીમાં કોંગ્રેસ છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ સાથે છે. ક્ષત્રિયોનું આ આંદોલન ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર થશે જે માટે રાજકોટમાં રણનીતિ ઘડવામાં આવી હતી.  આ માટે રાજકોટના તમામ 18 વોર્ડ દીઠ સમિતિઓની રચના કરવામાં આવી  છે જેમાં દરેક વોર્ડમાં એક પ્રમુખ સહિત 11ની ટીમ રહેશે. આવી જ ટીમો તાલુકા દીઠ તૈયાર થઈ રહી છે. આ ટીમો ક્ષત્રિયો સહિતના સમાજને મતદાન મથક સુધી પહોંચાડવા  ઘરે ઘરે, લત્તે લત્તે જનજાગૃતિની ઝૂંબેશ ઉપાડશે. પ્રચાર-પ્રસાર કરીશું. કરણસિંહ ચાવડા સહિત કોર કમિટિના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે અમે શાંતિનો ભંગ થાય તેવા કોઈ કાર્યક્રમો કરવાના નથી, કાળા વાવટા પર પ્રતિબંધ તદ્દન અયોગ્ય છે પરંતુ, અમે કેસરી ઝંડા સાથે વિરોધ કરીશું. એકંદરે અમે બૌધિક લડત લડવાના છીએ.