કેનેડા માટે મેં જે કહ્યુ છે તે અમેરિકા માટે નવી વાત છે, અમેરિકાએ ભારતનો દ્રષ્ટિકોણ સમજવો પડશેઃ એસ. જયશંકર

September 30, 2023

વોશિંગ્ટન : અમેરિકાની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકર કેનેડા અને ભારત વચ્ચે ખાલિસ્તાની આંતકી નિજ્જરની હત્યાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક પછી એક પ્રહારો કરીને કેનેડાને ખુલ્લુ પાડી રહ્યા છે. 

વોશિંગ્ટનમાં શુક્રવારે એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યુ હતુ કે, ભારત અને કેનેડા વિવાદ પર અમેરિકનોનુ શું કહેવુ છે તે મેં સાંભળ્યુ છે પણ મને આશા છે કે, મેં શું કહ્યુ છે તે પણ તેમણે સાંભળ્યુ હતુ. મને લાગે છે કે, બંને પક્ષોએ પોતાનો વિચારો વ્યક્ત કરી દીધા છે ત્યારે હવે આના સિવાય મારે શું કહેવાનુ બાકી છે તેની મને નથી ખબર.  

તેમણે કહ્યુ હતુ કે, દરેક ઘટનાનો સંદર્ભ હોય છે. મને લાગે છે કે ,કેનેડા અને ભારતે એક બીજા સાથે વાત કરવી પડશે. તો ખબર પડશે કે આ મુદ્દો કેવી રીતે આગળ વધશે. જો તમે(અમેરિકનો)ભારતમાં કોઈને કહેશો કે કેનેડામાં કેટલાક લોકો હિંસા ભડકાવી રહ્યા છે તો ભારતમાં કોઈને આશ્ચર્ય નહીં થાય. કારણકે બધાને ત્યાંનો ઈતિહાસ ખબર છે. મને લાગે છે કે ,અમેરિકામાં બહુ ઓછા લોકોને આ વાતની જાણકારી છે અને આજે મેં બેઠકમાં જે વાત કરી છે તે અમેરિકાના લોકો માટે પણ નવી જાણકારી છે. 

તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા અને ભારત બંને દેશ કેનેડાને અલગ અલગ રીતે જુએ છે અને આ પણ સમસ્યાનો એક ભાગ છે. એટલે બહુ જરુરી છે કે, કેનેડા પર અમેરિકા અમારી સાથે વાત કરે. કારણકે અમેરિકા આખરે તો ભારતનુ સારું મિત્ર છે અને અમેરિકાએ કેનેડાના મુદ્દે ભારતનો દ્રષ્ટિકોણ જાણવો જોઈએ. 

જયશંકરે આગળ કહ્યુ હતુ કે, અમે જે પણ વલણ અત્યારે કેનેડા સામે અપનાવ્યુ છે તે યોગ્ય છે. કેનેડામાં અમારા ડિપ્લોમે્ટસને એ હદે ધમકીઓ અપાઈ રહી છે કે, તેઓ પોતાનુ રોજિંદુ કામકાજ કરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જી-7 ગ્રુપના સભ્ય દેશમાં આ પ્રકારનો માહોલ હોય તો એ અમેરિકા માટે વિચારવા જેવી વાત છે.