ટ્રૂડો સાથે મારે ડાયરેક્ટ કોન્ટેક્ટ, ભારત વિરૂદ્ધ મેં જ માહિતી આપી : પન્નૂની કબૂલાત

October 16, 2024

ટોરોન્ટો : એક તરફ ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સાથે પોતાના સીધા સંબંધોની વાત કબૂલી છે. પન્નૂએ દાવો કર્યો કે તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રૂડોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહ્યા છે અને તેમણે જ ભારત વિરૂદ્ધ માહિતી ઉપલબ્ધ કરાવી, જેના પર ટ્રૂડોએ કાર્યવાહી કરી.


કેનેડાએ ગત વર્ષ થયેલી ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યા મામલે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ સોમવારે કેનેડાએ છ ભારતીય રાજદૂતોને સસ્પેન્ડ કરી દીધા. આ વચ્ચે પન્નૂએ કેનેડાની ચેનલ સીબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં પન્નૂએ કહ્યું કે આ કાર્યવાહી તેના કહેવા પર થઈ છે. પન્નૂએ કહ્યું કે, 'ગુરૂના આશીર્વાદથી અમે શીખ લોકો જીવનના સિદ્ધાંતનું પાલન કરીએ છીએ. જે દિવસે અમે પેદા થયા, તે દિવસે મૃત્યુની તારીખ લખેલી હોય છે, એટલા માટે હું ભારતની હત્યાની ધમકીઓ અને ભારત સરકાર દ્વારા મારા વિરૂદ્ધ સતત રચાઈ રહેલા હત્યાના ષડયંત્રોથી નથી ડરતો, ભલે તે કેનેડામાં હોય કે અમેરિકામાં. પરંતુ નિશ્ચિત રીતે અંતે હું ખાલિસ્તાની અભિયાન ત્યારે જ ચલાવી શકીશ જ્યારે હું જીવિત રહીશ. એટલા માટે હું એ નક્કી કરવા માટે તમામ સુરક્ષા ઉપાય કરી રહ્યો છું કે હું ખુદને સુરક્ષિત રાખી શકું અને દુનિયાભરમાં ખાલિસ્તાની કેમ્પેઈન ચલાવી શકું.'


કેનેડાના પત્રકારે સવાલ કર્યો કે ભારત સરકારે નિજ્જર હત્યા કેસની તપાસ માટે કમિટીની રચના કરી છે. વિક્રમ યાદવની ધરપકડ અંગે તમે શું વિચારો છો? જેના પર આતંકવાદી પન્નૂએ કહ્યું કે, 'કમિટી માત્ર એક દેખાડો છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ખાલિસ્તાનીઓની સાથે ભારતીય ન્યાય પ્રણાલીનો કેવો અનુભવ રહ્યો છે. કારણ કે અમે તેમના બંધારણને માન્યતા નથી આપતા, તેમની ન્યાય પ્રણાલી પક્ષપાતભરી છે, તે હંમેશા શીખ સમુદાય પ્રત્યે પક્ષપાત રાખે છે, વિશેષ કરીને તે લોકો પ્રત્યે જે આલોચનાત્મક અસહમતિપૂર્ણ મંતવ્ય રાખે છે. જેમ કે હું.'