ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?

September 26, 2026

ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ એક 7 દિવસનો ખાસ પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત પુનઃ શરૂ કરવા તૈયાર થયું હતું. પરંતુ તેના બદલામાં ઈરાને અમેરિકા સામે 3 મુખ્ય શરતો રાખી હતી. અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે અસ્વીકાર કરી દીધો છે. ટ્રમ્પને શંકા છે કે ઈરાન તેમની માંગણીઓ પૂરી નહીં કરે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સંકેત આપ્યા છે કે નવેમ્બરમાં યોજાનારી 'મિડટર્મ' ચૂંટણીઓ પછી ઈરાન પર ફરીથી લશ્કરી કાર્યવાહી અને બોમ્બમારો શરૂ થઈ શકે છે. 
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર, જો અમેરિકા તેમની શરતો સ્વીકારે તો આ 7 દિવસની સમયસીમા તે જ દિવસથી શરૂ થઈ જાત: 
1 થી 5 દિવસ: અમેરિકાએ ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવી અને લેબનાનને પણ સાંકળતો યુદ્ધવિરામ અમલી બનાવવો.
6ઠ્ઠો દિવસ: ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલી દેવામાં આવે.
7મો દિવસ: બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દે સત્તાવાર વાટાઘાટો પુનઃ શરૂ થાય.
'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ પર ભરોસો નથી. જોકે, અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો હુમલો થશે તો તેનો વ્યાપ કેટલો મોટો હશે તે નક્કી નથી. હાલમાં અમેરિકા પાસે શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો ઘટી રહ્યો હોવાથી, ટ્રમ્પ અત્યારે કોઈ મોટા સૈન્ય અભિયાન માટે સંપૂર્ણ તૈયાર દેખાતા નથી. અમેરિકા પોતાના શસ્ત્રભંડારને ભવિષ્યની અન્ય સંભવિત જરૂરિયાતો માટે બચાવીને રાખવા માંગે છે. બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે દબાણ કે ધમકીઓ સામે પોતાના સાર્વભૌમ અધિકારો સાથે બાંધછોડ નહીં કરે. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા વાટાઘાટો મારફતે વિવાદ ઉકેલવાના વલણનું સ્વાગત કર્યું હતું.