હું છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપી ભારત સામે ઝેર ઓક્યુ

September 19, 2023

ઓટાવા : ભારત અને કેનેડાના સબંધોમાં અભૂતપૂર્વ તણાવ જોવા મળી રહ્યો છે અને તેની પાછળનુ કારણ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપવાની કેનેડાની સરકારની નીતિ છે.  હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર પર આંગળી ચીંધી છે ત્યારે કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને સાંસદ જગમીતસિંહે ભારત સામે ઝેર ઓકયુ છે.

એક વાયરલ વીડિયોમાં તે ખાલિસ્તાનીઓને આશ્વાસન આપતો દેખાય છે. તે કહે છે કે ,જ્યાં સુધી હું કેનેડામાં છુ ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે જગમીતસિંહની પાર્ટીના 24 સાંસદ છે અને તેની પાર્ટી ટ્રુડોને ટેકો આપી રહ્યા છે. ટ્રુડો પોતાની ખુરશી બચાવવા માટે જગમીતસિંહને ખુશ કરવા ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે.

બીજી તરફ ટ્રુડોએ સંસદમાં આપેલા નિવેદન બાદ જગમીતસિંહે એક નિવેદન પોસ્ટ કરીને કહ્યુ હતુ કે, આજે અમને ખબર પડી છે કે, ભારતીય એજન્ટોએ હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી છે. તે કેનેડાની ધરતી પર માર્યો ગયેલો કેનેડાનો નાગરિક હતો. હું તમામ કેનેડાના લોકોને વચન આપુ છુ કે આ માટે ભારતના પીએમ નરેન્દ્ર  મોદીને દોષી ઠેરવવા માટે કોઈ કસર બાકી નહીં રાખુ.

આ સિવાય અન્ય એક વિડિયોમાં સાંસદ કહે છે કે, હિન્દુસ્તાનની સરકાર  ભારતમાં તો સિખો પર જુલ્મ કરે જ છે પણ અત્યાર સુધી ક્યારેય એવુ નહોતુ લાગ્યુ કે કેનેડામાં પણ આપણા પર ખતરો હોઈ શકે છે. હું તમામને કહેવા માંગુ છુ કે, નિજ્જર માટે ન્યાય મેળવવા માટે મારી તમામ તાકાત હું કામે લગાડી દઈશ.

જગમીતસિંહનુ પુરુ નામ જગમીતસિંહ ધાલીવાલ છે. 2011માં ઓન્ટારિયો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈ આવીને જગમીતસિંહે પોતાની રાજકીય કેરિયર શરુ કરી હતી. જગમીતસિંહની માતા લુધિયાણાની રહેવાસી છે.