સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લૉક થયાનો દાવો, ફાયર વિભાગે બચાવ્યા

April 27, 2026

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામીના કારણે અચાનક લિફ્ટ બંધ થઈ જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત 11 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અંધારપટ અને ગભરાટ વચ્ચે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જ્યારે 11 લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટની વચ્ચે જ લોક થઈ ગઈ હતી. લિફ્ટની અંદર 2 બાળકો પણ હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી. અંદર ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડતા કોમ્પ્લેક્સના અન્ય લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત વેસુ ફાયર સ્ટેશનને જાણ કરી હતી.