બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત

November 03, 2025

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં સોમવારે સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 17 મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર અકસ્માત ચેવેલા મંડલના ખાનપુર ગેટ પાસે થયો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક તેલંગાણા સ્ટેટ ગવર્નમેન્ટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TGSRTC) બસ અને ખોટી દિશામાંથી આવતી ટ્રક સામસામે અથડાયા હતા.

પોલીસે જણાવ્યું કે ટક્કર એટલી ગંભીર હતી કે બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરોનો તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ તથા રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનું પ્રાથમિક કારણ ટ્રક ચાલકનું ખોટી દિશામાં વાહન ચલાવવું હોવાનું જણાય છે. પોલીસે ટ્રક ડ્રાઇવરની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

તેલંગાણાના પરિવહન મંત્રી પોન્નમ પ્રભાકરે આ અકસ્માત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે RTCના MD નાગી રેડ્ડી અને રંગા રેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. મંત્રીએ તેમને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારી તબીબી સંભાળ પૂરી પાડવાનો અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી સહાય પૂરી પાડવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ તેલંગાણાના પૂર્વ મંત્રી અને બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે (K.T. Rama Rao) પણ ચેવેલા મંડલમાં બનેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રાજ્ય સરકારને અપીલ કરી કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક નાણાકીય સહાય અને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવામાં આવે.