વિધાનસભાની ચૂંટણીમાં 1.75 કરોડ મતદારોએ વોટિંગ ન કર્યું

December 07, 2022

અમદાવાદઃ મતદાન કરવો એ આપણો અધિકાર છે. જે આપણને ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલો સૌથી મહત્વનો અને મોટો અધિકાર છે. આ અધિકારનો ઉપયોગ કરીને આપણે રાજ્યની સત્તાની કમાન કોના હાથમાં સોંપવી તે નક્કી કરી શકીએ છીએ. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પહેલા તબક્કામાં 182માંથી 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરે જ્યારે 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન થયું હતું. બંને તબક્કામાં કુલ મળીને 64.33 ટકા મતદાન થયું હતું.

આ વખતે 1.75 કરોડ જેટલા લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ ન કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કુલ 4,91,35,400 મતદારોમાંથી 3,16,06,968 મતદારો જ વોટ બૂથ સુધી ગયા હતા. રાજ્યમાં કુલ 66.74 ટકા પુરુષો અને 61.75 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. આમ સ્ત્રીઓ કરતાં પુરુષ મતદારોને પાંચ ટકા વધારે મતદાન કર્યું હતું.