ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, 20 હજારથી વધુ લોકો બેઘર, ઈમરજન્સી જાહેર

January 19, 2026

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં અત્યારે કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કોન્સેપ્સિયન પાસે આવેલા પેન્કોના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા છે. સતત વધતી આગને જોતા સરકારે પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરી દીધી છે.

બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં આગની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અત્યાર સુધીમાં અંદાજે 8500 હેક્ટર જમીન પર ફેલાયેલી વન સંપદા બળીને રાખ થઈ ગઈ છે. ભીષણ ગરમી અને તેજ પવનને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેને કારણે વન્યજીવોને પણ ભારે નુકસાન થયું છે. આસપાસના ગામોમાંથી અંદાજે 50,000 લોકો પોતાનું ઘર છોડી સલામત સ્થળે જવા મજબૂર બન્યા છે, જ્યારે તંત્ર દ્વારા 20,000 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.