ગુજરાતના 93 તાલુકામાં માવઠું, જલાલપોર અને અમરેલીના જાફરાબાદમાં 2-2 ઇંચ

October 26, 2025

93 તાલુકામાં માવઠું, 76 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ


નવસારી- અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રવિવારે (26 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કુલ 93 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોર અને અમરેલીના જાફરાબાદમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે રવિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.97 ઇંચ, કોડિનારમાં 1.61 ઇંચ, સુરત સિટીમાં 1.81 ઇંચ, તાપીના સોનગઢમાં 1.57 ઇંચ, નવસારીના ખેરગામમાં1.54 ઇંચ, ગણદેવીમાં 1.50 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 1.26 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે 17 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, ડાંગના આહવા, ભરૂચ, ગીર સોમનાથના તલાલા, તાપીના વાલોડ સહિત કુલ 76 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.