પુણેમાં ઊંચા વ્યાજની લાલચે રોકાણકારો સાથે 300 કરોડની છેતરપિંડી

March 19, 2023

કંપનીના ડાયરેક્ટર અને કર્મચારી સામે ગુનો નોંધાયો

મુંબઈ: મોટા વ્યાજની લાલચે પુણેમાં રોકાણકારો સાથે ૩૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી પ્રકરણે બંડગાર્ડન પોલીસે અષ્ટવિનાયક ઈન્વેસ્ટમેન્ટ નામની એક ખાનગી કંપનીના ડાયરેક્ટર સહિત કર્મચારીઓ સામે ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે.

આ પ્રકરણે સચિન પુરુષોત્તમ પવાર (વાઘોલી) નામના એક ફરિયાદીએ બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે સેલ્વાકુમાર નાડર (કોંઢવાખુર્દ) અને તેના સાથીદારો સામે ગુનો નોંધી તપાસ આદરી છે. આરોપી નાડાર અને તેના સાથીદારોએ અષ્ટવિનાયક ઈન્વેસ્ટમેન્ટ નામે એક ફાઈનાન્સ કંપની લશ્કર વિસ્તારમાં આવેલ ન્યુક્લિઅસ મોલ વિસ્તારમાં શરૂ કરી હતી.

નાડાર અને તેના સાથીદારોએ ઉંચા વ્યાજ અને સારા વળતરની લાલચે રોકાણ આકર્ષવા વિવિધ યોજનાઓ વહેતી મૂકી હતી. આ યોજનામાં અમુક લોકોને ઈન્સ્ટન્ટ લોન મેળવી આપવાની સ્કીમ પણ આપવામાં આવી હતી. લોનની પ્રક્રિયાને નામે પણ નાડારે લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા. આ રીતે ફરિયાદી પવારનો પણ વિશ્વાસ સંપાદીત કરી તેને પણ લોન ઉપલ્બધ કરી આપી હતી.

જોકે નાડારે ફરિયાદીના ખાતામાં જમા થયેલી ૪૦.૮૯ લાખની લોન અષ્ટવિનાયક ઈન્વેસ્ટમેન્ટના ખાતામાં વાળી લીધી હતી. આરોપીઓએ પવાર સહિત ૨૦૦ જણ પાસેથી વિવિધ કારણો જણાવી ૩૦૦ કરોડ રૂપિયા વસૂલ્યા હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. આ પ્રકરણે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હોઈ પુણેની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ)ઓ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે.