મુજફ્ફરનગર બાદ રુરકીમાં પોલીસ સામે જ કાવડિયાઓનું તાંડવ, લાકડી-દંડા વડે મચાવી તોડફોડ

July 24, 2024

મુજફ્ફરનગર બાદ હવે ઉત્તરાખંડના રુરકીમાં કાવડિયાઓનું તાંડવ જોવા મળ્યું છે. ત્યાં કાવડિયાઓએ પહેલા એક ઈ-રિક્ષા ડ્રાઈવરને ખૂબ માર માર્યો અને તે બાદ ડંડાથી ઈ-રિક્ષામાં તોડફોડ કરી. આ દરમિયાન પોલીસ કર્મચારી પણ કાવડિયાઓને સમજાવતાં રહ્યાં પરંતુ તેમણે સાંભળ્યુ નહીં અને ઈ-રિક્ષામાં તોડફોડ કરતાં રહ્યાં. ઈજાગ્રસ્ત ઈ-રિક્ષા ડ્રાઈવરને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ઘટના મંગલોર વિસ્તારના લિબ્બરહેડી નહેર પાટાની છે. રિક્ષા ડ્રાઈવર પર આરોપ હતો કે તેણે એક કાવડિયાને ટક્કર મારી છે અને કાવડ ખંડિત કરી છે. જેના કારણે કાવડિયાઓએ પહેલા ઈ-રિક્ષા ડ્રાઈવરને માર માર્યો અને બાદમાં ઈ-રિક્ષાની તોડફોડ કરી દીધી. આ દરમિયાન કાવડિયાઓ ભોલે બાબાની જયના સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યા. આ દરમિયાન ઘટના સ્થળે ભારે ભીડ જમા થઈ ગઈ. પોલીસે આ મામલામાં અજાણ્યા કાવડિયાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હરિદ્વાર એસએસપી પરમેન્દ્ર સિંહ ડોભાલે આ મામલે જણાવ્યું કે મંગલોર વિસ્તારના લિબ્બરેડીમાં સંજય કુમાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે આજે તેમની ઈ- રિક્ષાથી એક કાવડિયાને ટક્કર વાગી ગઈ હતી જેમાં કાવડિયાને ઈજા પહોંચી ન હતી અને કાવડ ખંડિત પણ થઈ ન હતી. તેમ છતાં કાવડિયાઓએ પોતાના અમુક સાથીઓની સાથે મળીને ઈ-રિક્ષા ડ્રાઈવરની સાથે મારામારી કરી. એટલું જ નહીં તેમણે ઈ-રિક્ષામાં પણ તોડફોડ કરી છે. આ મામલામાં ધ્યાન આપતાં કેસ નોંધવામાં આવ્યો છે અને તે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ એસએસપીએ તમામ કાવડિયાઓને અપીલ કરી છે કે સમગ્ર પોલીસ તંત્ર તમને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તેમાં કાર્યરત છે પરંતુ તમને અપીલ છે કે આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે તો તેમાં તમે રોષે ન ભરાવો અને પોલીસને જાણકારી આપો. આ પહેલા મુજફ્ફરનગરમાં કાવડિયાઓએ એક કાર ડ્રાઈવરને ખરાબ રીતે માર માર્યો હતો. એટલું જ નહીં તેમણે પોલીસની સામે કારને ખરાબ રીતે લાત મારીને તોડી દીધી હતી. કારના તમામ કાચ તોડી દીધાં હતાં અને છતને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમને રોક્યા હતાં પરંતુ તેમ છતાં તેઓ રોકાયા નહીં. જણાવાઈ રહ્યું છે કે યાત્રા દરમિયાન કાવડિયાઓએ કારની ટક્કર વાગવાથી કાવડ ખંડિત થવાનો આરોપ લગાવ્યો હતો.