અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ 4 ભારતીય મૂળના લોકોની ધરપકડ, જેમાં એક તો મહિલા

July 10, 2024

પ્રિન્સટન : અમેરિકાના ટેક્સાસના પ્રિન્સટનમાં માનવ તસ્કરીના કેસમાં એક મહિલા સહિત ભારતીય મૂળના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિન્સટન પોલીસે આપેલી માહિતી મુજબ એક જ ઘરમાં 15 મહિલાઓ મળી આવ્યા પછી ચાર ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રિન્સટન પોલીસને એક જ ઘરમાં રહેતી અંદાજે 15 મહિલાઓ ફ્લોર પર સૂતી મળી આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. પ્રિન્સટન પોલીસે જણાવ્યું હતું કે કોલિન કાઉન્ટીમાં ગિન્સબર્ગ લેન પરના એક ઘરમાં સંભવિત માનવ તસ્કરી રેકેટ વિશે માર્ચમાં પેસ્ટ કંટ્રોલ વિભાગ તરફથી ફરિયાદ મળ્યા બાદ તેઓએ તપાસ શરૂ કરી હતી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિન્સટન પોલીસે 24 વર્ષીય ચંદન દાસીરેડ્ડી, 31 વર્ષીય સંતોષ કટકુરી, 31 વર્ષીય દ્વારકા ગુંડા અને 37 વર્ષીય અનિલ માલેની પ્રિન્સટનની કોલિન કાઉન્ટીમાં 'બળજબરીથી મજૂરી' યોજના ચલાવવા બદલ ધરપકડ કરી છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, માર્ચ મહિનામાં પેસ્ટ કંટ્રોલ વિભાગને ઘરે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ઈન્સ્પેક્ટર અંદર ગયા તો તેમણે જોયું કે દરેક રૂમના ફ્લોર પર લગભગ 15 મહિલાઓ સૂઈ રહી હતી. તેમજ ત્યાં વધુ સૂટકેસ પણ હતા. પોલીસે જણાવ્યું કે જે ઘરની અંદર માનવ તસ્કરી થઈ રહી હતી, ત્યાં ઘણા કમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ અને ધાબળા હતા, પરંતુ ત્યાં કોઈ ફર્નિચર નહોતું.

પોલીસે કહ્યું કે ઘરમાંથી બચાવી લેવામાં આવેલી 15 મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કટકુરી અને તેની પત્ની દ્વારકા ગુંડાની માલિકીની કેટલીક નકલી કંપનીઓમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

પ્રિન્સટન પોલીસે જણાવ્યું હતું કે અન્ય ઘણા લોકો, પુરુષો અને સ્ત્રીઓ બંને, પણ બળજબરીથી મજૂરીનો ભોગ બન્યા હતા અને શેલ કંપનીઓ માટે પ્રોગ્રામર તરીકે કામ કરતા હતા. પ્રિન્સટન, મેલિસા અને મેકકિનીના અન્ય કેટલાક સ્થળો પણ આ કેસમાં સામેલ હતા અને તપાસ બાદ તેમણે અન્ય સ્થળોએથી લેપટોપ અને ફોન સહિતની ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.