વિશ્વના પ્રદૂષિત 40 શહેરો માત્ર ભારતનાં જ, આ છે સ્વચ્છ ભારત

November 03, 2025

નવી દિલ્હી: એક ચોંકાવનારા ખુલાસામાં ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી વિશ્વના ચાલીસ સૌથી પ્રદૂષિત શહેરોમાં પ્રત્યેક ભારતના હતા, જે દેશમાં ગંભીર બની રહેલા વાયુ ગુણવત્તા સંકટનો નિર્દેશ કરે છે. ઉત્સર્જન પર નિયંત્રણ મુકવાના પ્રયાસો છતાં ૧ નવેમ્બરના બપોરે ૨.૩૦ કલાક સુધી નોંધાયેલા વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) અનુસાર વિશ્વના સૌથી ૩૫ પ્રદૂષિત શહેર ભારતના હતા, જેનાથી પ્રદૂષણની સમસ્યાની ગંભીરતા ઉજાગર થઈ જે હવે દિલ્હી અને મુંબઈની ઘણી આગળ નીકળી ગઈ છે. આ સ્થિતિ દર્શાવે છે  કે પ્રદુષણ કેવા નાના ઉત્તરીય શહેરોમાં પ્રવેશ કરી ચુક્યું છે, જ્યાં એક્યુઆઈનું સ્તર ગંભીર અને ખતરનાક શ્રેણીમાં પ્રવેશ કરી ગયું છે. અહેવાલની આશ્ચર્યજનક બાબત હતી લાંબા સમયથી ધૂમ્મસ અને ઝેરી હવાનો પર્યાય બની ગયેલું દિલ્હી વૈશ્વિક પ્રદૂષણ ચાર્ટમાં ૧૩માં સ્થાને આવી ગયું હતું. જો કે દિલ્હીની રેન્કિંગ ભલે નીચે ઉતરી હોય, તેની વાયુ ગુણવત્તા હજી પણ સરેરાશ એક્યુઆઈ ૪૧૨ના જોખમી સ્તરે રહેલી છે. રાજધાનીનું આકાશ ગાઢ ધૂમાડાથી છવાયેલું છે, જેનાથી દ્રશ્યતા ઓછી થઈ રહી છે અને જન સ્વાસ્થ્ય સામે જોખમ સર્જાઈ રહ્યું છે. જસ્થાનના શ્રી ગંગાનગર, હરિયાણાના સિવાની તેમજ પંજાબના અબોહર જેવા નાનકડા શહેર આ વખતે દિલ્હીથી પણ આગળ નીકળી ગયા જે સાબિત કરે છે કે પ્રદૂષણની સમસ્યા હવે શહેરો સુધી સીમિત નથી રહી, પણ ઉત્તરી મેદાનો તરફ પણ ફેલાઈ ચુકી છે. શ્રી ગંગાનગરમાં એક્યુઆઈ ૮૩૦ના જોખમી સ્તર સુધી પહોંચી ગઈ જ્યારે હરિયાણાના સિવાનીની એક્યુઆઈ ૬૪૪ રહી હતી. નિષ્ણાંતોના મતે આ વ્યાપક પ્રદૂષણ અનેક પરસ્પર જોડાયેલા પરિબળોને આભારી છે જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાળી બાળવી, વાહનો અને ઉદ્યોગો દ્વારા ઉત્સર્જન તેમજ બાંધકામ અને રસ્તા પરની ધૂળ પ્રદૂષણના મુખ્ય કારણો રહ્યા છે. શિયાળાના પ્રારંભમાં ઓછું તાપમાન, ઘટેલું વાયુ મિશ્રણ અને સ્થિર પવન પ્રદૂષકોને સપાટી નજીક અટકાવે છે જેના કારણે નાનકડા નગરોમાં પણ વાયુ ગુણવત્તા કથળે છે. ઉપરાંત, ખેતરોમાં પરાળી બાળવાથી થતો ધૂમાડો નજીકના શહેરોમાં ફેલાય છે જેના કારણે પહેલેથી એકત્ર થયેલા પ્રદૂષકો (પીએમ૨.૫ અને પીએમ૧૦)માં વધારો થાય છે.