હોંગકોંગ અગ્નિકાંડમાં 80 મોતની પુષ્ટિ, 300થી વધુ હજુ ગુમ; જુઓ ભયાવહ દૃશ્યો

November 28, 2025

હોંગકોંગમાં કોમ્પલેક્ષમાં આગ લાગતાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય 300 લોકો હજુ પણ ગુમ છે. આ હોંગકોંગના ઇતિહાસનો સૌથી મોટો અગ્નિકાંડ છે. ચીની મીડિયાના અહેવાલ અનુસાર 70 ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં 16ની હાલત અત્યંત ગંભીર છે. વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આ કોમ્પલેક્ષમાં કુલ આઠ બ્લોકમાં બે હજારથી વધુ ફ્લેટ છે. આગ ઓલવવા માટે 800 ફાયરફાઇટર્સ ઘટનાસ્થળે તૈનાત છે. 

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ સ્થાનિક મીડિયા અનુસાર કોમ્પલેક્ષની આસપાસ રિનોવેશનનું કામ ચાલુ હોવાના કારણે આગ લાગી હતી. બિલ્ડિંગમાં રિનોવેશન માટે વાંસનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન કંપનીના બે ડાયરેક્ટર સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ચીનના પ્રમુખ શી જિનપિંગે રિપોર્ટ માંગ્યો છે. દુર્ઘટના બાદ 900 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને કેમ્પમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. તપાસ માટે એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. હજુ પણ આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 60થી વધુ ઍમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.