રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન : યુરોપીયન યુનિયન

November 26, 2025

બ્રસેલ્સ: સમગ્ર દુનિયામાં રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનીજો પર સૌથી વધુ પકડ ચીનની છે. આ જ કારણે ચીન યુરોપીયન યુનિયન અને અમેરિકાને તેનો સપ્લાય અટકાવી દેવાની ધમકી આપતો રહે છે. આવા સંજોગોમાં યુરોપીયન યુનિયને મંગળવારે દુર્લભ ખનીજો પર ચીનના પ્રતિબંધને કૌભાંડ ગણાવ્યું છે.
યુરોપીયન યુનિયનના ઉપાધ્યક્ષ સ્ટીફન સેજોર્ને સાંસદોને સંબોધન કરતા કહ્યું કે, યુરોપીયન દેશોએ દુર્લભ ખનીજો માટે ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નો ઝડપી બનાવવા જોઈએ. ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન છે, જે યુરોપ માટે જોખમી છે. યુરોપ માટે હવે સમય આવી ગયો છે કે તે પોતાની રણનીતિમાં ગતિ લાવે અને તેના પ્રયત્નોને બમણા કરવા જોઈએ. તેમણે યુરોપીયન દેશોને સપ્લાય ચેનમાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરવા આહ્વાન કર્યું હતું. ચીન વૈશ્વિક રેર અર્થ માઈનિંગમાં લગભગ ૭૦ ટકાનું યોગદાન આપે છે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આ અંગે સ્ટીફન સેજોર્ને કહ્યું કે, તેનાથી લાઈસન્સ ખૂબ જ ઓછા અપાઈ રહ્યા છે, જેનાથી ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, દુર્લભ ખનીજો માટે લાઈસન્સની પ્રક્રિયામાં કંપનીઓએ સંવેદનશીલ માહિતી આપવી પડતી હોય છે. આ લાઈસન્સ એવી માહિતીના બદલામાં અપાય છે, જેમાં મોટાભાગે વ્યાપારિક રહસ્યો સામેલ હોય છે. આપણે લાઈસન્સ મેળવવા માટે આપણા નિર્માતાઓ પર કરાતી બધી જ માગો પર ધ્યાન આપીએ તો આ નિશ્ચિતરૂપે એક કૌભાંડ સમાન છે. ચીન પર નિર્ભરતા ખતમ કરવાના આયોજન પર કામ કરી રહેલા સ્ટીફન સેજોર્ને કહ્યું કે તેઓ આ મુદ્દે ૩ ડિસેમ્બરે ખુલાસો કરશે.