કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું

November 26, 2025

કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ભારત વિરોધી કાર્યક્રમમાં મારી નાખો જેવા સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનો પણ સંગઠને દાવો કર્યો હતો. કેનેડાના ઓટાવાના મેકબેન કોમ્યુનિટી સેન્ટર પર આ જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ભાગ લેવા માટે કેનેડાના વિવિધ પ્રાંતો જેમ કે ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યૂબેકના 50 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારત દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ સંગઠને દાવો કર્યો હતો કે બાળકોથી લઇને વૃદ્ધો સહિત તમામ લોકો સમર્થનમાં આવ્યા હતા. ત્રણ વાગ્યા બાદ પણ લોકો લાઇનોમાં ઉભા હતા તેથી વોટિંગ શરૂ રાખવુ પડયું હતું. અલ્બર્ટા સ્થિત ડિજિટલ મીડિયા બેઝિર્ગનના જણાવ્યા મુજબ મતદાન સ્થળની આસપાસ પણ ભારે ભીડ જમા થઇ ગઇ હતી. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં આ સ્થળે હાજર કેટલાક લોકો ભારત વિરોધી સુત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. જ્યારે મતદાન પ્રક્રિયાના અંતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય ધ્વજનું અપમાન કરાયું હતું જે ઘટના પણ વીડિયોમાં કેદ થઇ ગઇ હતી. તાજેતરમાં દક્ષિણ આફ્રીકામાં જી-20 નેતાઓના સમ્મેલનમાં કેનેડાના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન સાથે મુલાકાત કેમ કરી તેવો સવાલ પણ આ સંગઠને ઉઠાવ્યો હતો.