પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત

February 07, 2025

અમદાવાદ : ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જેની પુષ્ટિ ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. 


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે સામેલ હતાં. આ દરમિયાન જે અમુક ઘટના બની હતી અને આ ઘટનામાં જે કેસ ચાલું હતાં અને જેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે, તેવા 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે'.