ઈરાને જપ્ત કરેલા જહાજ પર સવાર 17 ભારતીયો માટે લેવાયો મોટો નિર્ણય, ભારતની આ માગ સ્વીકારાઈ

April 15, 2024

ઈરાને જપ્ત કરેલા જહાજ પર સવાર 17 ભારતીયો માટે મોટો નિર્ણય લેવાયો છે. ઈરાને ભારતની માગ સ્વીકારી છે. ઈરાને કહ્યું કે ભારત સરકારના પ્રતિનિધિઓને કબ્જે કરવામાં આવેલા ઈઝરાયેલના જહાજ પર ભારતીય ક્રૂને મળવાની મંજૂરી આપવામાં આવશે. ઈરાને આ જાહેરાત ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાન વચ્ચે રવિવારે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ કરી છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રીએ ભારતને ઈઝરાયલ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે પણ માહિતી આપી. ઈરાને એક નિવેદન જારી કરીને જણાવ્યું કે, અમીર અબ્દુલ્લાહિયાએ ફોન પર વાતચીત દરમિયાન ભારતીય વિદેશ મંત્રીને ઈરાનના કાયદેસરના સ્વ-બચાવ અને ઈઝરાયેલી શાસનને સજા આપવા અંગે માહિતી આપી. આ નિવેદનમાં આગળ જણાવ્યું કે, ભારતીય વિદેશ મંત્રીએ જપ્ત કરેલા જહાજ પર સવાર 17 ભારતીય ક્રૂ મેમ્બરો અંગે ચિંતા વ્યક્ત કરી અને આ મામલે ઈરાન પાસેથી મદદ માંગી છે. અબ્દુલ્લાહિયાએ કહ્યું કે તેઓ જપ્ત કરેલા જહાજ અંગે માહિતી એકત્ર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ભારત સરકારના પ્રતિનિધિઓને જહાજ પર સવાર ક્રૂ ને મળવાની શક્યતા ઉપલબ્ધ કરાવશે. ગત શનિવારના રોજ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઈઆરજીસી)એ કમાન્ડો ઉતારીને ઈઝરાયેલના જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પાસે જપ્ત કરી લીધુ હતું. આ માલવાહક જહાજ UAEથી ભારત આવી રહ્યું હતું. રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું કે આ જહાજ ઈઝરાયેલ સાથે જોડાયેલા હોવાના આરોપોને કારણે કબજે કરવામાં આવ્યું છે. MSC Aries નામનું આ જહાજ લંડન સ્થિત કંપની Zodiac Groupનું છે, જે ઈઝરાયેલના અબજોપતિ ઈયાન બોફરની હોવાની કહેવાય છે. જે સમયે આ જહાજ ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યું હતું, જે સમયે આ જહાજ પર કબ્જો કર્યો ત્યારે તેના પર પોર્ટુગલનો ધ્વજ લગાવેલો હતો.