અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત, 10 મોત

April 17, 2024

અમદાવાદ : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 10 લોકોના મોત થયા છે. નડિયાદ નજીક પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કાર ધડાકાભેર ટ્રેલરની પાછળ ઘુસી ગઈ હતી. જેને લઈને કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. કારમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે.

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી આ દરમિયાન નડિયાદ નજીક દુર્ઘટના બની હતી. અમદાવાદ પાર્સિંગની કાર છે જેનો નંબર GJ-27-EC-2578 છે. પોલીસ કાર નંબર અને ખિસ્સામાંથી મળેલ આધારકાર્ડની વિગતના આધારે મૃતકોની ઓળખ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં છ મૃતકોની ઓળખ કરી છે, જ્યારે અન્ય ચાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, કાર ટેક્સી પાર્સિંગ ન હોવા છતા તેમાં પેસેન્જર બેસાડાયા હતા. તમામ મૃતકો અલગ અલગ શહેરના છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો.

અકસ્માતના મૃતકોના નામ

1. યોગેશ નરેન્દ્રભાઈ પંચાલ (અમદાવાદ)

2. નીલકુમાર મુકેશભાઈ ભોજાણી (વડોદરા)

3. જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી (વડોદરા)

4. સોલંકી અમિત મનોજભાઈ (વાપી)

5. શાહબુદ્દીન અબ્દૂલશકર અંસાર (મુંબઈ)

6. સુરેન્દ્રસિંહ રાવત (રાજસ્થાન - ડ્રાઈવર)