થાનમાં સરકારી ગોડાઉનમાં આગ, 70 હજાર કિલો મગફળી બળીને ખાખ

March 07, 2025

- ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળી રાખવામાં આવી હતી
- કૌભાંડ થાય, અથવા છુપાવવું હોય ત્યારે જ આગ લાગે છે ઃ દિલીપ સંઘાણીનું નિવેદન : પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન : અમદાવાદની અધિકારીઓની ટીમ દ્વારા તપાસ બાદ આગનુું સાચું કારણ બહાર આવશે
સુરેન્દ્રનગર: થાનમાં સરકારી (એફસીઆઈ) અનાજના ગોડાઉનમાં સવારના સમયે અચાનક આગ લાગતા અંદાજે ૭૦ હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનામાં સહકાર ક્ષેત્રના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ આ આગને સામાન્ય સંજોગોમાં લાગેલી આગ માનવાનો ઇન્કાર કર્યોે છે અને ઘટના પાછળ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે.  આ ઘટનાએ ફરી એકવાર સરકારી ગોડાઉનમાં અગ્નિ સુરક્ષા અને સંગ્રહિત પાકના જતન અંગે સવાલો ઉભા કર્યા છે. 
થાનના હિટરનગરમાં આવેલા સરકારી (એફસીઆઈ) અનાજના ગોડાઉનમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ થાન મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર, થાન અને ચોટીલા નગરપાલિકાની ફાયર ફાયટરની પાંચ જેટલી ટીમો સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ સહિત અમુક શટરોને પણ તોડવામાં આવ્યા હતા અને અંદાજે બે થી ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા. સવારનો સમય હોવાથી સદ્દનસીબે સરકારી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો કે સરકારી ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી ૨,૦૦૦ બોરી બળીને ખાખ થઈ ગઈ હતી.  સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાતી ખેત જણસોનાં અનેક ચીજ વસ્તુઓનાં જથ્થો જાળવવા માટે થાનગઢમાં આવેલ સેન્ટ્રલ ભંડાર નિગમમાં આગ અકસ્માતના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટેનાં ઇમરજન્સી જરૂરીયાત મુજબનાં સર સાધનો ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદથી અધિકારીઓની ટીમને મોકલી સંકલન કરી આગ લાગવાનું સાચું કારણ જાણવાના આદેશ આપ્યો છે. ઘટનામાં કોઈ દોષિત જણાઈ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી તેનો રિપોર્ટ આવ્યા બાદ જ આગનું સાચું કારણ બહાર આવશે.