વારંવાર થતા અકસ્માતો બાદ વાયુસેનાનો મોટો નિર્ણય, MIG-21ના કાફલાના ઉડાન પર પ્રતિબંધ

May 20, 2023

ભારતીય વાયુસેનાએ મિગ 21 એરક્રાફ્ટની ઉડાન પર રોક લગાવી છે. તેનું મુખ્ય કારણ છે કે, ઉડાન દરમિયાન વારંવાર અકસ્માતોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં મિગ 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જોકે, આ પ્રતિબંધ કાયમી ધોરણે લાદવામાં આવ્યો નથી.

રાજસ્થાનમાં બે અઠવાડિયા પહેલા થયેલા અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ મિગ-21 વિમાનના કાફલાની ઉડાન રોકવાનો નિર્ણય લીધો છે. હાલ અકસ્માતની તપાસ ચાલી રહી છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, મિગ-21 ફાઈટર જેટની ઉડાન પર રોક લગાવી છે કારણ કે 8 મેના ક્રેશની તપાસ હજુ ચાલુ છે. તેના અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. IAF 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયામાં છે. 1960ના દાયકાની શરૂઆતમાં વાયુસેનામાં સામેલ થયા બાદથી, 400 મિગ-21 વિમાનના અકસ્માતો થયા છે.