સુરત નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા, બસ ડ્રાઇવર ફરાર

November 27, 2024

આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકિયારોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી. 

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ વિભાગે કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઇ છે. જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. જેમાં કેટલાક લોકો બસની કેબિનમાં ફસાય ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાય ગયા હતા. જેના લીધે તમામ 40 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. 

અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઇ જઇ રહી હતી. ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઇવર ભાગી ગયો હોવાની સંભાવના છે.