દિવાળીમાં વધતા અક્સ્માતના કેસને લઇને 108નો પ્લાન તૈયાર

October 23, 2024

અમદાવાદ  :  ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન આગ-અક્સ્માતના બનાવમાં વધારો જોવા મળતો હોય છે. આગ-અકસ્માતના કેસોમાં અંદાજિત 16 ટકાનો વધારો થતો હોય છે. ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે 108 ઈમરજન્સી સેવાએ પણ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. 838 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે.

108 ઇમરજન્સી સેવાના CEO જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં 4,000થી 4500 જેટલા કેસો આવતાં હોય છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમરજન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. ભાઈ બીજના દિવસે 13 ટકા વધારો થાય તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાનમાં આગ, અકસ્માત, મારામારી, પડવાના અને શ્વાસના કેસ વધુ હોય હોય છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાય છે.